- 08 Oct, 2026
- 166
સિદ્ધપુરના રાજપુર ખાતે ‘આયુષ મેળો–૨૦૨૬’નું ભવ્ય આયોજન: આયુર્વેદ અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અંગે જનજાગૃતિનો સંદેશ
સિદ્ધપુર: સિદ્ધપુર શહેરના રાજપુર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરના સભામંડપમાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા ‘આયુષ મેળો–૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહી આયુષ પદ્ધતિઓના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને ઋષિમુનિઓના અમૂલ્ય જ્ઞાનમાંથી વિકસેલી આયુર્વેદ અને યોગ જેવી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ આપણા સમૃદ્ધ આરોગ્ય વારસાનો મહત્વપૂર્ણ હિસ્સો છે. યોગ્ય આહાર, નિયમિત દિનચર્યા, પ્રાકૃતિક ઉપચાર અને સંતુલિત જીવનશૈલી દ્વારા સ્વસ્થ જીવન જીવવામાં આયુર્વેદનું વિશેષ મહત્વ છે.
‘આયુષ મેળો–૨૦૨૬’ અંતર્ગત આયુષ અંગે જનજાગૃતિ ફેલાવતા માહિતીપ્રદ પોસ્ટર્સનું પ્રદર્શન, ઔષધીય વનસ્પતિઓનું પ્રદર્શન તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક નિઃશુલ્ક નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી નાગરિકોને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અંગે માહિતી અને આરોગ્યલક્ષી માર્ગદર્શન મળ્યું હતું.
આ પ્રસંગે ભારતની પ્રાચીન આયુષ પરંપરાને આધુનિક આરોગ્ય વ્યવસ્થા સાથે જોડવાના પ્રયાસો અને આયુર્વેદ, યોગ તથા અન્ય આયુષ પદ્ધતિઓના સંવર્ધન અને પ્રચાર-પ્રસારના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શ્રી રણજીતસિંહ સોલંકી, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી કૌશલભાઈ જોશી, શ્રી જસુભાઈ પટેલ, શ્રી દશરથભાઈ પટેલ, ડૉ. દિલીપકુમાર નાંઢા, ડૉ. વર્ષાબેન પટેલ, શ્રી પરષોત્તમભાઈ પટેલ, રીનાબેન પ્રજાપતિ, નગરપાલિકાના સદસ્યો, ગામના આગેવાનો, સરકારી હોમિયોપેથી કોલેજ તથા સરકારી હોસ્પિટલના ડોક્ટર્સ, મેડિકલ સ્ટાફ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સુંદર આયોજન બદલ આયુષ વિભાગ, આયોજકો, તબીબો તથા આરોગ્યકર્મીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.










