તાજા સમાચાર

સિદ્ધપુર: ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્યના ૨૮ જિલ્લાઓમાં નવા ૧૦૧ ભોજન વિતરણ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સિદ્ધપુર GIDC ખાતે નવનિર્મિત ભોજન વિતરણ કેન્દ્રનું વિધિવત લોકાર્પણ માનનીય ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત હસ્તે કરવામાં આવ્યું હતું.

રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શ્રમિક પરિવારોના ઉત્કર્ષ અને સુખાકારીને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવેલી આ યોજના હેઠળ શ્રમિક ભાઈ-બહેનો અને તેમના પરિવારોને માત્ર ₹૫માં શુદ્ધ, સાત્વિક અને પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ થશે.

આ પ્રસંગે ધન્વન્તરી આરોગ્ય રથની મુલાકાત લઈને શ્રમિકો માટે હાથ ધરવામાં આવતી આરોગ્ય તપાસની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પહેલથી શ્રમિકોને પોષણયુક્ત ભોજનની સાથે આરોગ્ય સેવાઓનો લાભ પણ મળી રહેશે.

કાર્યક્રમમાં શ્રી પ્રમોદભાઈ પટેલ, શ્રી જસુભાઈ પટેલ, શ્રી વિક્રમસિંહ ઠાકોર, શ્રી નિરંજનભાઈ પંચાલ, સિદ્ધપુર GIDCના પ્રમુખશ્રી નરેશભાઈ પટેલ, મંત્રીશ્રી રોનકભાઈ પટેલ, શ્રી ધ્રુવભાઈ પટેલ, સિદ્ધપુર ITIના પ્રિન્સિપાલશ્રી અનિલભાઈ પટેલ, શ્રી મનોજભાઈ મોદી સહિત વિવિધ આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શ્રમિક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Share :

સંબંધિત સમાચાર