- 14 Apr, 2026
- 124
કલ્યાણામાં આંબેડકર જન્મજયંતિ નિમિત્તે ચોપડા તુલા દ્વારા ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતનું સન્માન, વિવિધ સમાજહિત કાર્યો યોજાયા હતા.
સદભાવ યુવા વિકાસ ટ્રસ્ટ, કલ્યાણા દ્વારા ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકરજીની 135મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ સામાજિક અને પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચોપડા તુલા દ્વારા ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે ચોપડા (પુસ્તક) તુલા માત્ર એક વિધિ નથી, પરંતુ શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને બાબા સાહેબના “શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો”ના સંદેશને જીવનમાં ઉતારવાનો પ્રતિક છે. બાબા સાહેબે શિક્ષણ દ્વારા સમાજને સશક્ત બનાવવાનો જે સપનો જોયો હતો, તેને સાકાર કરવા માટે આવી પ્રવૃત્તિઓ મહત્વપૂર્ણ સાબિત થાય છે.
આ પ્રસંગે અનેક સમાજહિતના કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં કોમ્યુનિટી હોલના ખાતમુહૂર્ત, પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘર વિતરણ, ડૉ. બી.આર. આંબેડકર પ્રતિમા નિર્માણ માટે ‘યુનિટી ઓફ કલ્યાણા’ ખાતમુહૂર્ત, વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ, આંગણવાડી કેન્દ્રોમાં 5 લીટર થર્મો સ્ટીલ જગનું વિતરણ તેમજ મધ્યાહન ભોજન કેન્દ્રના બાળકોને સ્ટીલ ડિશનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સત્યેનભાઈ કુલાબકર, નંદાજી ઠાકોર, ટ્રસ્ટના પ્રમુખ આનંદભાઈ, વિષ્ણુભાઈ પટેલ, જસુભાઈ પટેલ, ખેંગારજી ચૌહાણ, ભુપેન્દ્રસિંહ વાઘેલા, વિક્રમસિંહ ઠાકોર, હરગોવનભાઈ પટેલ, મહેશભાઈ ચૌહાણ, હંસાબેન ચૌહાણ, છનાજી ઠાકોર, સૂરપાળસિંહ રાજપૂત, ભરતજી ઠાકોર, સુરેશજી ઠાકોર, નીતિનભાઈ, અશોકભાઈ પટેલ, સરજીજી ઠાકોર સહિત સામાજિક આગેવાનો, ટ્રસ્ટના સભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.









